સુરત : BJP નેતા PVS શર્માના ઘરે આઈટી રેડ, અધિકારીઓને 10 બેન્ક લોકર, 3.5 લાખ રોકડા મળ્યા
સુરત આવકવેરાની ડીરેક્ટોરેટ ઓફ ઈન્વેસ્ટીગેશન વિંગ દ્વારા બુધવારે મોડી રાત્રે પૂર્વ આવકવેરા અધિકારી અને સુરત ભાજપના અગ્રણી નેતા વેંકટ સત્યનારાયણ શર્મા પુષ્પમર્તિ (પી.વી.એસ. શર્મા ) પર કલમ 131 હેઠળ તપાસ કાર્યવાહી કરવામાં આવી છે. શર્માના પીપલોદ ફોર સિઝન ખાતેના લક્ઝુરીયસ ફ્લેટ તેમજ તેઓ જે કંપનીમાંથી દોઢ લાખનો માતબર પગાર મેળવે છે મુંબઈની તે કુસુમ સીલીકોન કંપનીના મુંબઈ-થાણેના ઓફિસ, ફેક્ટરી, ગોડાઉન, કંપનીના માલિકો કુસુમ ખંડેલીયા અને કૌશલ ખંડેલીયાના સુરત પાર્લેપોઈન્ટના બ્રિજવાટીકા એપાર્ટમેન્ટ ખાતેના નિવાસ સ્થાન, શર્મા જે કંપનીનામાં ડિરેક્ટર છે તે શાહ-પ્રજાપતિ એન્ડ કાું.ના ભાગીદારો ધવલ શાહનું આરટીઓ પાસે શિખાક્ષિલા ખાતેના નિવાસસ્થાન, ઘોડદોડ રોડ પરના સરગમ હાઉસ ઓફિસ, ઉપરાંત શર્માના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અડુકીયાના ઓફિસ, નિવાસસ્થાન મળી કુલ 12 ઠેકાણે આવકવેરા વિભાગ દ્વારા 50થી વધુ અધિકારીઓની સ્ટ્રેન્થ સાથે તપાસ કરવામાં આવી રહી છે. તપાસ લંબાય તેમ હોય રાજકોટ, વડોદરા અને અમદાવાદથી વધુ અધિકારીઓને તપાસમાં સામેલ કરવા તેડાવ્યા છે. તપાસના પ્રાથમિક તબક્કામાં કુસુમ ખંડેલીયા અને કૌશલ ખંડેલીયાના ઘરેથી 45 લાખ રોકડ, 1 કિલો સોનું, 35 લાખની એફડી મળી આવી છે.
આ ઉપરાંત 10 બેન્ક એકાઉન્ટ અને 3 લોકર સીઝ કરાયા છે. શર્મા અને તેની પત્ની અન્નપૂર્ણા દ્વારા બજારમાંથી લેવાયેલી રૂપિયા 6.50 કરોડની લોન તથા અંદાજે 80 કરોડની મિલકતોના દસ્તાવેજોની ઉલટતપાસ કરવામાં આવી રહી છે. પિવીએસ શર્મા ના ઘરેથી આઇટી વિભાગને 3.5 લાખ રોકડ તેમજ ફ્લેટનો 3.5 કરોડ નો દસ્તાવેજ મળ્યો છે . જેની કિંમત આઇટી દ્વારા 7 કરોડની હોવાની અનુમાન છે.