પાંચેક હજારનો મોબાઇલ ચોરવા ચોરોએ ઉઠાવી કેટલી જહેમત, જાણો અમદાવાદનો આ કિસ્સો
અમદાવાદ : શહેરના વીએસ સ્મશાન ગૃહ બહાર વિચિત્ર ચોરીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ચોરોએ પાંચેક હજારનો મોબાઇ ચોરવા માટે ઘણી મહેનત કરી છે. એક 47 વર્ષીય વ્યક્તિના સસરાનું મૃત્યુ થતા તેઓ અંતિમ ક્રિયા માટે સ્મશાન ગયા હતા. કારમાં તેમનો મોબાઈલ ફોન મૂકીને સ્મશાનમ ગયા અને બહાર આવ્યા તો ગાડીનો કાચ તૂટેલો હતો અને ફોન ગાયબ હતો. જેથી આ વ્યક્તિએ પોલીસને જાણ કરતા એલિસબ્રિજ પોલીસે તપાસ શરૂ કરી છે.
બોપલમાં રહેતા 47 વર્ષીય હિતેશભાઈ બારૈયા સાણંદ માં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફાર્મસીસ્ટ તરીકે ફરજ બજાવે છે. ગત 19મી ઓકટોબર ના રોજ તેમના સસરાનું મૃત્યુ થતા તેઓ પોતાની કાર લઈને ઘરેથી નીકળીને વીએસ સ્મશાન પહોંચ્યા હતા. રાત્રે અગિયારેક વાગ્યે તેઓ સ્મશાનમાં પહોંચ્યા અને બારેક વાગ્યે બહાર આવ્યા હતા. તેઓએ સ્મશાન બહાર પાર્ક કરેલી કારનો દરવાજાનો કાચ તૂટેલો જણાતા કારમાં તપાસ કરી હતી. કારમાં જોયું તો તેમનો પાંચેક હજારનો ફોન ગાયબ હતો. જેથી ચોરી થઈ હોવાની શંકા જતા હિતેશભાઈએ આ અંગે પોલીસને જાણ કરી હતી.
એલિસબ્રિજ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ કરી તો ચોરી થઈ હોવાનું સામે આવતા પોલીસે આ મામલે હિતેશભાઈ ની ફરિયાદ નોંધી ચોરી કરનાર ચોરને પકડવા તજવીજ હાથ ધરી છે.