આણંદ: બ્લેકનાં વ્હાઇટ કરવાની લાલચમાં ટ્ર્સ્ટીઓ ભારે ફસાયા, અપહરણ કરી માંગી ખંડણી
બાવળાના મિત્તલ એજયુકેશન ટ્રસ્ટના કર્મચારીઓએ આણંદના માધવ ટ્રસ્ટના ટ્રસ્ટીઓને બ્લેકના વ્હાઈટ કરાવી આપવાનું કહ્યું હતુ. બ્લેકના સાડા ત્રણ કરોડ રૂપિયા લઇને દોઢ કરોડનો ફાયદો કરાવી ટ્રસ્ટીઓને માધવ ટ્રસ્ટને પાંચ કરોડ વ્હાઇટ કરી આપવાનું કહ્યું હતું. આ દરમિયાન મિત્તલ એજ્યુકેશન ટ્રસ્ટનાં કહેવા પ્રમાણે, આંગડીયા પેઢીનો વચેટીયો ત્રણ કરોડ રૂપિયા લઇને ફરાર થઇ ગયો હતો. જેથી આણંદના પાંચ ટ્રસ્ટીઓએ બાવળાના મિત્તલ ટ્રસ્ટના એક મહિલા સહિત ત્રણ ટ્રસ્ટીઓનું અપહરણ કરી ગોંધી રાખ્યા હતા. એક વૃદ્ધને છોડવા માટે પચાસ લાખની માંગણી કરી હોવાની ફરિયાદ ઇસનપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી. જે મામલે ઈસનપુર પોલીસે આરોપીઓની ધરપકડ કરીને વૃદ્ધને મુક્ત કરાવ્યાં છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, ઘોડાસરના જીવણપાર્ક પાસેના યોગેશ્વર ટેનામેન્ટમાં રહેતા મનસુખભાઇ ભવજીભાઇ પટેલ બાવળામાં મિત્તલ એજયુકેશન ટ્રસ્ટમાં મહિલાઓને સીલાઇ કામ કરવાનુ શીખવાડે છે. તેમની સાથે મહેશભાઇ અને ઉષાબેન પણ કામ કરે છે. આ ત્રણેય લોકો આણંદમાં માધવ ટ્રસ્ટના ટ્રસ્ટી રાજુભાઇને ઓળખતા હતા. રાજુભાઇને આણંદમાં ગર્લ્સ હોસ્ટેલ બનાવી હતી જેમાં તેમને એક કરોડની જરૂર હતી. જેથી મનસુખભાઇ, મહેશભાઇ અને ઉષાબેને રાજુભાઇને વાત કરી હતી કે, તમે બ્લેકના સાડા ત્રણ કરોડ રૂપિયા અમને આપો તો તમારે દોઢ કરોડ રૂપિયાનો ફાયદો થશે. અમે તમને વ્હાઇટ કરીને એક જ દિવસમાં પાંચ કરોડ આપીશુ.
જેથી રાજુભાઈએ સાડાત્રણ કરોડ આપ્યા પણ બીજા દિવસે પૈસા મળ્યા નહોતા. મનસુખભાઇ અને તેમના સાથીદારોએ કહ્યુ હતુ કે, અમે આણંદમાં આંગડીયા પેઢીમાં પૈસા મોકલી દીધા છે. જો કે આ પેઢી તો ૧૫ દિવસથી બંધ હતી. આ કેસમાં મનસુખભાઇ, મહેશભાઇ અને ઉષાબેનનુ અપહરણ કરીને રાજુ સહિતના લોકોને એક ઓરડીમાં ગોંધી રાખ્યા હતા. આખરે મનસુખભાઇના ફોનથી રાજુભાઇએ તેમના પુત્ર દિપને ફોન કરીને ધમકી આપી હતી.