વર્ષો બાદ સ્કૂલ ફ્રેન્ડ્સ મ્ળ્યા, નોકરીની લાલચ આપી 17 લાખ રુપિયા ખંખેર્યા, જાણો અમદાવાદના મિત્રોનો કિસ્સો
અમદાવાદ : અનેક એવી કહાનીઓ સાંભળવા મળી હશે કે સ્કૂલમાં ભણ્યા બાદ નોકરીએ લાગતા મિત્રો વિખુટા પડયા હોય. પણ બાદમાં સોશિયલ મીડિયા થકી ફરી એજ મિત્રો સ્કૂલમાં હતા તેમ ભેગા થતા હોય છે. આવી જ વાતને લગતી એક કહાની સામે આવી છે. સ્કૂલમાંથી (School friend)છૂટા પડયા બાદ બે મિત્રો સોશિયલ મીડિયા પર મળ્યા અને બાદમાં એકબીજા સાથે સંપર્ક કરવા લાગ્યા હતા. ફરી એક વાર મિત્રતા બંધાઈ અને ઠગ (fraud) મિત્રએ તેનો લાભ લઈને તેના જ મિત્રને એરક્રાફ્ટ એન્જીનિયર અને પિતા આઈબીમા હોવાની ઓળખાણથી કાર્ગો ઓફિસરની લાલચ આપીને 17 લાખ ખંખેરી લીધા. આ યુવક તેના મિત્રએ કરેલી ઠગાઈનો ભોગ બન્યો અને તપાસ કરી તો જૂની એક સ્કૂલ મિત્રના પતિને પણ આવી લાલચો આપીને આ મિત્રએ ઠગાઈ કરી હોવાનું સામે આવ્યું. જેથી તમામ લોકોની પોલીસે ફરિયાદ નોંધી હવે મિત્રતામાં દગો કરી પૈસા ચાઉં કરનાર ઠગબાજને શોધવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
જશોદાનગર ખાતે રહેતા મેહુલ વંડીકર વડોદરામાં એન્જીનીયર તરીકે એક કંપનીમાં કામ કરે છે. તેઓ જ્યારે અમરાઈવાડી ખાતે એક સ્કૂલમાં અભ્યાસ કરતા હતા ત્યારે તેમની સાથે હર્ષદ પાટીલ નામનો વિદ્યાર્થી પણ ભણતો હતો. જોકે સ્કૂલ પુરી થયા બાદ તે બંને મળ્યા ન હતા. પણ વર્ષ 2019માં મેહુલભાઈનો ફરી તેમના વિદ્યાર્થી મિત્ર એવા હર્ષદ સાથે ફેસબુક થકી સંપર્ક થયો હતો. બાદમાં બને મિત્રો એકબીજા સાથે વાત કરતા હતા ત્યારે હર્ષદે જણાવ્યું કે, તે એરપોર્ટ ખાતે એર ટ્રાફિક કન્ટ્રોલર તરીકે નોકરી કરે છે. હર્ષદે મેહુલભાઈને દિલાસો આપ્યો કે, તેઓ ઈન્ડિગો એરમાં એરક્રાફ્ટ એન્જીનિયર તરીકે નોકરી અપાવશે. હર્ષદે તો એવી પણ ડંફાશ મારી કે, તેના પિતાજી આઈ.બી. માં મોટી પોસ્ટ પર હોવાથી તેમની ઊંચી ઓળખાણથી કાર્ગો ઓફિસર તરીકે સેટિંગ કરાવી આપશે. મેહુલભાઈને આ વાતોમાં રસ પડતા જ હર્ષદે તેનો ફાયદો ઉઠાવી ફોર્મ ભરવાના અને મેડિકલના તથા અમુક સર્ટિફિકેટના એમ કરી પહેલા 6 લાખ અને બાદમાં ટુકડે ટુકડે 11 લાખ એમ કુલ 17 લાખ પડાવી લીધા હતા.