કપરાડા બેઠક પર છે બંન્ને પેરાશૂટ ઉમેદવાર, જાણો ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણીનાં જાહેર ઉમેદવારોની યાદી
ગુજરાતમાં વિધાનસભાની પેટા ચૂંટણી આગામી 3 નવેમ્બરનાં રોજ યોજાવવાની છે. ત્યારે 16 ઓક્ટોબર સુધીમાં જ ઉમેદવારો પોતાનું ફોર્મ ભરી શકશે. કૉંગ્રેસે બુધવારે મોડી રાતે કપરાડા અને ડાંગ બેઠક પર નામ જાહર કરી દીધા છે. કપરાડા બેઠક પર બાબુભાઇ વરઠા અને ડાંગ બેઠક પર સૂર્યકાંત ગામિતનાં ઉમેદવાર તરીકે નામ જાહેર કર્યા છે. જેથી હવે ગુજરાત કોંગ્રેસને માત્ર લીંબડી એક જ બેઠક પર નામ જાહેર કરવાનું રહ્યું છે. જ્યારે ગુજરાત બીજેપીએ તમામ બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે.
કપરાડા બેઠક પર બંન્ને પેરાશૂટ ઉમેદવાર
કપરાડા બેઠક પર કોંગ્રેસ માટે બાબુભાઇ વરઠા અને હરેશ પટેલ વચ્ચે મથામણ ચાલતી હતી. અંતે કોંગ્રેસે કપરાડા વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માં પાર્ટીના ઉમેદવાર તરીકે બાબુ વરઠાના નામ પર પસંદગી કરી છે. આથી બાબુ વરઠાના સમર્થકોમાં ઉત્સાહનો માહોલ છવાયો છે. કપરડા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના બંને પેરાશૂટ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામ્યો છે. મહત્વપૂર્ણ છે કે, કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા અને એ કપરાડા વિધાનસભા બેઠક પર સતત ચાર ટર્મ સુધી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટાતા આવતા જીતુભાઈ ચૌધરીને ભાજપે ટિકિટ આપી અને આ વખતે પેટાચૂંટણીમાં ઉમેદવાર બનાવ્યા છે. આથી જીતુભાઈ ચૌધરી પાંચમી વખત કપરાડા વિધાનસભા બેઠકની ચૂંટણી લડી રહ્યા છે. ભાજપે જીતુ ચૌધરીને ટિકીટ આપી દેતા કોઈપણ ભોગે કપરાડા વિધાનસભા બેઠક પર ચૂંટણી લડવા માગતા બાબુલ વરઠા ભાજપને રામરામ કરી અને કોંગ્રેસમાં જોડાઇ ગયા હતા. લાંબી મથામણ બાદ છેલ્લી ઘડીએ કોંગ્રેસના ઉમેદવાર તરીકે તેમની પસંદગી કરી છે. આમ કપરાંડા વિધાનસભા બેઠક પર આ વખતે બે પેરાશૂટ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામ્યો છે.