સામી દિવાળીએ સુરતના હીરાના વેપારીના 40 કરોડમાં ઉઠમણાની ચર્ચાને કારણે બજારમાં ફફડાટ
સુરત આમતો હીરા વેપારનું સૌથી મોટું હબ ગણવામાં આવે છે. ત્યારે કોરોના મહામારી વચ્ચે આ ઉધોગ ચાલતો નથી તેવામાં વધુ એક વેપારીનું રૂપિયા 40 કરોડમાં ઉઠમણાની વાત વહેતી થતા સામી દિવાળીએ હીરા બજારમાં ફફડાટ મચી જવા પામ્યો છે. જોકે, આ વેપારીના ઉઠમણાને લઈને 25 કરતા વધુ વેપારીના રૂપિયા સલવાઇ ગયાની વાત પણ સામે આવી રહી છે.
કોરોના મહામારી વચ્ચે સુરતના ડાયમંડ ઉધોગ પર સૌથી વધુ અસર જોવા મળી રહી છે. પાંચ મહિના જેટલો આ વેપાર બંધ થયા બાદ માંડ આ ઉધોગ થાળે પડ્યો છે ત્યારે ડાયમંડની વિદેશના બજારમાં માંગ વધી છે. ત્યારે છેલ્લા પાંચ મહિનાથી આ ઉધોગે જે ખોટ કરી છે તે સરભર થાય તેવો સમય આવ્યો છે. ત્યારે આ સમયે સુરતના બજારમાં હીરાનો વેપાર કરતા એક સૌરાષ્ટવાસી હીરા વેપારીનું જે પોલિશ્ડ ડાયમંડ મેન્યુફેક્ચરર કામ કરતા હતા. આ વેપારી આર્થિકભીડમાં આવી જતા રૂપિયા 40 કરોડમાં ઉઠી ગયો હોવાની ચર્ચા છે. સમયસર પેમેન્ટ ચૂકવનાર આ વેપારી છેલ્લાં એક માસથી વેપાર મર્યાદિત કરી દીધો હતો. ઉઠમણાંના કારણે 25 જેટલા વેપારીઓનું પેમેન્ટ ફસાયું છે. જેમાં રફ ડાયમંડના પણ વેપારીઓનું પેમેન્ટ ફસાયું હોવાનું જણાયું છે.