અમદાવાદ: SPના ઘરે થયેલી ચોરીનો ભેદ માંડ ઉકેલાયો ત્યાં વધુ એક પોલીસકર્મીના ઘરે ચોરી, તસ્કરો રિવોલ્વર પણ ચોરી ગયા

અમદાવાદ: તાજેતરમાં એસી.પી. પ્રજાપતિ ના ઘરમાં ચોરી થતા ક્રાઇમ બ્રાન્ચ એક્ટિવ થઈ ગઈ હતી અને તસ્કરો સુધી પહોંચી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. હવે વધુ એક પોલીસકર્મીના ઘરમાં ચોરી (burglary) થતા પોલીસની કામગીરી પર સવાલ ઊઠ્યા છે. પોલીસ અધિકારી અને કર્મચારીઓના જ ઘર સુરક્ષિત નથી તો સામાન્ય લોકો કેવી રીતે સુરક્ષિત રહેશે? પોલીસબેડામાં થતી ચર્ચા મુજબ તાજેતરમાં વસ્ત્રાપુરની હદમાં આનંદનગરના એક પોલીસ કોન્સ્ટેબલ (Police constable)ના ઘરમાં આઈફોનની ચોરી થઈ હતી. પોલીસ આ ગુનાનો ભેદ ઉકેલી નથી શકી પણ એસી.પી.ના ઘરમાં ચોરી થતા પોલીસે ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી નાખ્યો હતો. હવે નાના પોલીસકર્મીના ઘરમાં વધુ એક ચોરી થતા પોલીસ તેનો ભેદ ઉકેલી શકે છે કે કેમ તે સવાલ છે.
નવા નરોડા માં આવેલી ન્યૂ નંદનવન સોસાયટી વિ-2માં રહેતા રઘુવીરસિંહ ચાવડા 24 વર્ષથી પોલીસ ખાતામાં ફરજ બજાવે છે. હાલ તેઓ હે.કો. તરીકે શાહીબાગ હેડક્વાર્ટર માં ફરજ મોકૂફ હેઠળ ફરજ બજાવે છે. રવિવારે તેઓ ઘરે તાળું મારી પરિવાર સાથે વેરાવળ ખાતે તેમના દીકરાને એક કંપનીમાં એપરેન્ટીસનું કામ હોવાથી ગયા હતા. તેઓ ત્યાં જ રાત રોકાયા હતા.
સવારે પાડોશીનો ફોન આવ્યો કે તેમના ઘરનું તાળું તૂટેલું છે. જેથી રઘુવીરસિંહે અંદર જઈને તપાસ કરવાનું કહેતા પાડોશી ત્યાં અંદર ગયા હતા. અંદર જોયું તો બધું વેરણ છેરણ પડ્યું હતું. જેથી ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું.