અમદાવાદમાં લૂંટનો વધુ એક બનાવ, પતંગ હોટલના સિક્યુરિટી ગાર્ડને છરી બતાવી મોબાઇલની લૂંટ
અમદાવાદ: લૉકડાઉન બાદ અનલૉક શરૂ થતા જ હવે જાણે કે અમદાવાદ શહેર અસુરક્ષિત થઈ ગયું હોય તેમ લાગી રહ્યું છે. શહેરમાં લૂંટારૂઓએ પણ અનલૉક શરૂ કર્યું હોય તેમ એક પછી એક ગુનાને અંજામ આપી રહ્યા છે. કેટલાક દિવસ અગાઉ શહેરના નિકોલ માં ચાર અજાણ્યાં શખ્સોએ કોન્ટ્રાક્ટરને તીક્ષ્ણ હથિયાર મારી સોનાની ચેનની લૂંટ ચલાવી છે. બીજા દિવસે શાહીબાગમાં રખેવાળને માર મારી ગાડીનો કાચ તોડી કેમેરાની લૂંટ ચલવવામાં આવી છે. ત્રીજા બનાવમાં રિવરફ્રન્ટ પર મોડી રાત્રે બેઠેલા કપલને ધમકાવીને મોબાઇલ અને પર્સની લૂંટ ચલાવવામાં આવી છે. હવે શહેરમાં લૂંટનો વધુ એક બનાવ એલિસબ્રિજ વિસ્તારમાં બન્યો છે. અહીં એક સિક્યુરિટી ગાર્ડને છરી મારીને બે લૂંટારુઓ મોબાઇલની લૂંટ કરી ફરાર થઈ ગયા છે.
મૂળ બિહારના સંતોષ શર્માએ ફરિયાદ નોંધાવી છે કે તે પતંગ હોટલમાં રહે છે અને સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. તેની નોકરી હોટલના મેઇન ગેટ પર છે. નોકરીનો સમય રાત્રીના આઠથી સવારના આઠ વાગ્યાનો છે. ગત મોડી રાત્રે તે હોટલના ગેટ પાસે બેસીને મોબાઇલ પર વાત કરી રહ્યો હતો તે દરમિયાન આશરે 25 વર્ષના બે ઈસમો રિવરફ્રન્ટ તરફથી ચાલતાં ચાલતાં આવ્યા હતા.
જેમાંથી એક ઈસમે ફરિયાદીને કહ્યું હતું કે, તારો મોબાઇલ ફોન મને આપી દે, મારે વાત કરવી છે. જોકે, ફરિયાદીએ ફોન આપવાની ના પાડતાં જ આરોપીએ તેનો ફોન ઝૂંટવી લીધો હતો. ફરિયાદીએ ફોન પરત લેવાનો પ્રયત્ન કરતા જ બીજા ઈસમે છરી કાઢી હતી અને સુરક્ષાગાર્ડને માર મારવા લાગ્યો હતો. ફરિયાદીએ વચ્ચે હાથ લાવતા આંગળીના ભાગે છરી વાગી હતી.