‘મારી દીકરીને મારે છે, તને જીવતો નહિ છોડુ, ભલે દીકરી વિધવા થાય,’ પુત્રીએ પિતા સામે નોંધાવી ફરિયાદ
અમદાવાદ : પ્રેમલગ્ન કરી યુવતી તેના પતિ સાથે રહે છે. યુવતીના પિતાએ પતિ પત્ની બન્નેને ધમકી આપી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટના બાદ યુવતીએ 181 મહિલા હેલ્પ લાઇનમાં ફોન કરતાં પોલીસે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો અને બાદમાં પોલીસ ફરિયાદ કરવાનું જણાવતાં આ અંગે યુવતીએ વાસણા પોલીસ સ્ટેશનમાં તેના જ પિતા સામે ફરીયાદ નોંધાવતા પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
અમદાવાદના વાસણામાં રહેતી 28 વર્ષીય યુવતી તેના પતિ તથા સાસુ-સસરા સાથે રહે છે. તેનો પતિ સોલા ખાતે સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરે છે. વર્ષ 2018 માં આ યુવતીએ તેના પરિવારની મરજી વિરુદ્ધ જઇ યુગાન્ડા ખાતે પ્રેમ લગ્ન કર્યા હતા. બાદમાં 2018માં ભારત ખાતે પરત આવી હતી અને વાસણા ખાતે તેના પતિના ઘરે રહે છે. ગઈકાલે આ યુવતી તથા તેનો પતિ બાઈકમાં પેટ્રોલ પુરાવવા જતા હતા તે વખતે તેના માતા-પિતા રસ્તામાં ક્યાંક ભેગા થયા હતા અને યુવતીના માતા-પિતાએ તેને કંઈક કહ્યું હતું. બાદમાં આ યુવતી પેટ્રોલ પુરાવી તેના પતિ સાથે ઘરે આવી હતી.
બાદમાં તેના પતિએ યુવતીના પિતાને ફોન કર્યો હતો અને યુવતીના પતિએ તથા પિતાએ વાતચીત કરી હતી. જેમાં યુવતીના પિતાએ યુવતીના પતિ પર આક્ષેપબાજી ચાલુ કરી અને બીભત્સ શબ્દોનો પ્રયોગ કરી જણાવ્યું કે “તું મારી દીકરીને મારે છે અને એવું પણ કહ્યું કે તેને જીવતો નહીં મૂકુ, મારી દીકરી વિધવા થાય તો પણ ફરક નથી પડતો”. આ સાંભળીને યુવતીનો પતિ ગભરાઈ જતાં તેણે ફોન કટ કરી દીધો હતો અને બાદમાં યુવતીને તેના પતિએ આ ઘટનાની જાણ કરી હતી.