અમદાવાદ: મહિલા તબીબને દર્દીનાં પતિની ધમકી, ‘તને ઉપાડી જઈને ન્યૂડ વીડિયો બનાવી વાયરલ કરી દઈશ’
અમદાવાદ: પત્નીની પ્રસૃતિની સારવારનું બિલ આપવાના બદલે પતિ સહિત ત્રણ લોકોએ મહિલા તબીબની હૉસ્પિટલમાં ઘૂસીને ધમકી આપતા પોલીસ ફરિયાદ થઇ છે. એટલું જ નહીં, મહિલા તબીબને ઉઠાવી જઈને તેમનો નિર્વસ્ત્ર હાલતમાં વીડિયો બનાવીને તેને વાયરલ કરવાની ધમકી પણ આપવામાં આવી હતી. આરોપીઓએ તબીબને જીવથી મારી નાખવાની પણ ધમકી આપી હતી. વાત અહીંથી અટકી ન હતી. આરોપીએ મહિલા તબીબના મોબાઇલમાં તલવારબાજીનો એક વીડિયો મોકલ્યો હતો અને કહ્યું હતું કે, ‘અમે અહીંના ડોન છીએ. બિલ આપતા નથી. અમે ખંડણી ઉઘરાવવાવાળા માણસો છીએ.’ આ મામલે પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
બનાવની વિગત એવી છે કે નારોલમાં ઇન્દિરા વુમન્સ નામની હૉસ્પિટલ ધરાવતા મહીલા તબીબે ફરિયાદ આપી છે કે તેમની હૉસ્પિટલમાં વટવાની એક મહિલાને પ્રસૃતિનો દુઃખાવો થતાં દાખલ કરવામાં આવી હતી. અગાઉ મહિલાને ત્રણ સિજેરિયન ડિલિવરી થયેલી હોવાથી આ વખતે પણ સોનોગ્રાફી રિપોર્ટના આધારે ઇમરજન્સીમાં સિજેરિયન ડિલિવરી કરી હતી.