જામનગર સામૂહિક દુષ્કર્મ કેસ : દુષ્કર્મ પહેલા આરોપીઓએ સગીરાનો વીડિયો પણ ઉતાર્યો હતો
હજી યુપીની હાથરસની ઘટના હજી તાજી છે ત્યાં જામનગરમાં પણ સગીરા પર સામૂહિક દુષ્કર્મની ઘટનાને પગલે ગુજરાતભરમાં રોષ વ્યાપી રહ્યો છે. આ ઘટનાના ચારેય આરોપીઓ ઝડપાઇ ગયા છે. ચોથા ફરાર આરોપીને સોમવારે વહેલી સવારે પોલીસે ખંભાળિયાથી ઝડપી પાડ્યો હતો. આ જધન્ય અપરાધમાં આરોપીઓમાંથી એકનાં મોબાઇલમાંથી તરૂણીની હાજરી દર્શાવતો વીડિયો પણ મોબાઇલમાંથી મળ્યો છે. હાલ પોલીસે આરોપીઓનાં મોબાઇલ કબ્જે કરીને ફોરેન્સિક તપાસમાં મોકલ્યા છે. પહેલા ઝડપાયેલા ત્રણ આરોપીઓમાંથી એક પોલીસ રિમાન્ડ પર છે.
મિલને મોબાઇલનું સીમ કાર્ડ પણ તોડી નાંખ્યું
મળતી માહિતી પ્રમાણે, ઝડપાયેલા ચાર આરોપીઓ પૈકી મિલન ભાટીયાએ પોતાના મોબાઈલ ફોનમાં સગીરાની રૂમમાં હાજરી હોવાનું રેકોર્ડિંગ કર્યું હતું. જે દિવસે બનાવ બન્યો ત્યારે સગીરાને મિલન નામના આરોપીએ ફોન કરીને ઘેર બોલાવી હતી. સગીરા આવે તે પહેલા જ અન્ય ત્રણ આરોપીઓ ઘરમાં હાજર હતાં. સગીરા પણ ત્યાં હાજર હોય તેવું વીડિયો રેકોર્ડિંગ કર્યું હતું. જેથી પોલીસે મિલનનો મોબાઈલ ફોન કબ્જે કરી લીધો છે. મિલનનાં ફોનમાંથી કોલ ડીટેઈલ કઢાવવામાં આવશે. પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન આરોપી મિલને પોતાના મોબાઈલ ફોનની અંદર રહેલું સીમ કાર્ડ વગેરે પણ તોડી નાખ્યાનું સામે આવ્યું છે. જેથી એફ.એસ.એલ.ની મદદથી સમગ્ર પ્રકરણની તપાસ ચલાવવામાં આવી રહી છે.
ફરાર ચોથો આરોપી તેના વતનમાંથી જ ઝડપાયો
જામનગરની 17 વર્ષની એક સગીરા પર સામૂહિક દૂષ્કર્મનો આરોપી મોહિત કિશોરભાઈ આંબલીયા જામનગરમાં ખોડિયાર કોલોની વિસ્તારમાં યાદવ નગરમાં રહે છે. જયારે તેનું મૂળ વતન દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના મેઘપર ટીટોડી ગામનું છે. જેથી પોલીસે અનુમાન લગાવ્યું હતું કે, તે પોતાના વતન તરફ જ ભાગ્યો હોવો જોઇએ. જે બાદ જામનગરની એલસીબી, એસઓજીની ટીમે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તપાસ શરૂ કરી હતી. જે બાદ સોમવારે એટલે 5 ઓક્ટોબરનાં રોજ વહેલી સવારે ખંભાળિયા ટાઉનમાંથી મોહિતને પકડી પાડયો હતો. જામનગર લઈ આવ્યા પછી તેનો કબજો મહિલા પોલીસ મથકમાં લઇ જવામાં આવ્યો હતો. પોલીસ મથકમાં લઇ જવા દરમિયાન એક મહિલાએ આરોપી મોહિતને ચપ્પલ પણ માર્યું હતું.