અમદાવાદમાં પોલીસે માસ્ક ન પહેરવા બદલ દંડ ભરવાનું કહેતા જવાબ મળ્યો, ‘મેં મર્ડર કર્યું છે, તમને પણ મારી નાંખીશ’
અમદાવાદ : કોરોનાકાળમાં પણ લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સજગા ન હોય તેમ બિન્દાસ ટોળામાં અને માસ્ક વગર ફરી રહ્યાં છે. તંત્ર કેટલા પણ કડક પગલા ભર પરંતુ જ્યાર સુધી લોકો પોતાની જાતે જાગૃત નહીં થાય ત્યાં સુધી કોરોના જેવી મહામારી જવાની નથી. અમદાવાદમાં માસ્ક ન પહેરવા બદલ કારણ દર્શાવતો એક વિચિત્ર બનાવ સામે આવ્યો છે. શહેરનાં હાટકેશ્વરમાં સીટીએમ બ્રિજ પાસે માસ્ક પહેર્યું ન હોવાથી પોલીસે મહિલાને દંડ ભરવા જણાવ્યું હતું. તે દરમિયાન કારમાં આવેલા શખ્સે પોલીસને પોતે પોરબંદરમાં મર્ડર કરેલું છે તમને પણ જાનથી મારી નાંખીશ, એવી ધમકી આપી હતી. જે બાદ ખોખરા પોલીસે મહિલા સહિત ત્રણ લોકો સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, ખોખરા પોલીસ 1 ઓક્ટોબર 2020ના રોજ રાત્રે પેટ્રોલિંગ કરી રહી હતી. જે દરમિયાન હાટકેશ્વર તરફથી સીટીએમ બ્રિજ પર બાઈક પર જઈ રહેલા મહિલા અને પુરૂષને પોલીસે અટકાવ્યા હતા. પોલીસે મહિલાએ માસ્ક પહેર્યું ન હોવાથી તેમને દંડ ભરવાનું કહ્યું હતું. પોલીસને આ મહિલાએ તેનું નામ ફાલ્ગુનીબહેન ઉમેશભાઈ ઝમરીયા છે તેમ જણાવ્યું હતું. દંડ ભરવાનું કહેતા મહિલાએ કહ્યું હતું કે, પોતાની પાસે પૈસા નથી એટલે મારા ઓળખીતાને બોલાવી દંડ ભરી દઉં છું.
જે બાદ થોડીવારમાં એક કાર ત્યાં આવી હતી. જે કારમાંથી ઉતરેલા શખ્સે પોલીસને ધમકી આપી હતી. તેણે પોલીસને ધમકાવતા કહ્યું કે, તમે મહિલાને કેમ હેરાન કરો છો? જે બાદ પોલીસે બહેને માસ્ક પહેર્યું ન હોવાથી દંડ ભરવા જણાવ્યું હતું. જેથી તે શખ્સે દાદગીરીનાં સૂરમાં જણાવ્યું હતું કે, તમે મને ઓળખતા નથી? મેં પોરબંદરમાં મર્ડર કર્યું છે અને તમને પણ જાનથી મારી નાંખીશ, એવી ધમકી આપી હતી.